મારી આંગળીનો નખ ——–દીપક ત્રિવેદી

 

મારી  આંગળીનો  નખ ————દીપક ત્રિવેદી 

મને   કાયમી   નડે   છે   મારી   આંગળીનો  નખ !

નથી   ઘોળાતું    એટલે    આ   જીવતરનું    વખ  !

રેશમી  અડપલાંમાં  નખ    નડી   જાય   ભૈ ……  ભારે કઠણાઈ …..

આવેલું   સપનું    હળવેક    ખડી  જાય   ભૈ ……  ભારે કઠણાઈ …..

રહે    કડેધડે    આંગળીનો   નખ   એ   જ   દખ ….!! 

મને   કાયમી   નડે   છે   મારી   આંગળીનો  નખ !

શબ્દોને     લખવામાં  ખાંચ – ખુંચ   થાય ….. ભાઇ   કરવું   શું ?

છેલ્લે   આ   નખ   એનું   કામ   કરી જાય …. ભાઇ   કરવું   શું ?

નખની  આ  ઘટનામાં  ખોવાયો  અવતાર  મનખ …

નથી   ઘોળાતું    એટલે    આ   જીવતરનું    વખ  !

——————-દીપક ત્રિવેદી 

Advertisements
Posted in Uncategorized | 1 Comment

ઉજાગરા + વાયરા = અશ્રુવન ——-દીપક ત્રિવેદી

 

ઉજાગરા + વાયરા = અશ્રુવન ———-દીપક ત્રિવેદી 

 આંખોમાં   લઈને   ઉજાગરા 

ભટકે  છે   શ્વાસો    બહાવરા 

કહી   દો  તો   ખોબલિયે  દેશું   અરમાનો 

                      — ને     કહેશો   તો   આંખોનાં   વન 

મોરપિચ્છ    આવે   તો   ટહૂકા   પથરાશે 

                    —  ને    સાથિયાઓ     પૂરશે    કવન ….

અમથા  ન  થાઓ  કઈ  આકરા

આંખોમાં     લઈને      ઉજાગરા …

માગો  તો   મો ’ લાતું    આપી  યે   દઈએ

                    —  ને     આપીએ    અમારા    રીસામણાં  !

તમને   રીઝવવા   તો , ગોકુળના  ગિરધારી 

                  —  રાખ્યા      છે     દિવસો       સોહામણાં !

ફુંકાશે  રોમ – રોમ  વાયરા !

આંખોમાં  લઈને   ઉજાગરા !

—————દીપક ત્રિવેદી 

Posted in Uncategorized | Leave a comment

મોળાવ્રત ( મોરાકત ) રે ’ તી છોકરીનું ગીત ————દીપક ત્રિવેદી

મોળાવ્રત ( મોરાકત ) રે ’ તી છોકરીનું ગીત ————દીપક ત્રિવેદી

ગોરમાનો વર કેસરિયો રે રંગે રમવા જાય …

આગળપાછળ પુતળિયું રે હાલકડોલક થાય …

માંડ જવેરા વાવ્યા એના વાંભ – વાંભના કોંટા …

પછી સરોવરના કાંઠા પર વરસ્યા ગુલાબગોટા …

ગોરમાનો વર વાંકડિયો રે ઝોલાં એવાં ખાય …

આગળપાછળ પુતળિયું રે હાલક ડોલક થાય …..

પહેરેલા ઘરચોળે સૈયર ચાંદલિયાની ભાત !

હું ખેડૂની છોરી રે ના સમજી એક્કે વાત !

ગોરમાનો વર નાવલિયો રે ચણોઠડીની ઝાંય …

આગળપાછળ પુતળિયું રે હાલકડોલક થાય …..

——————દીપક ત્રિવેદી

Posted in Uncategorized | Leave a comment

કુંવારા મનનું ગીત ————-દીપક ત્રિવેદી

કુંવારા  મનનું  ગીત  ————-દીપક ત્રિવેદી 

માઝમ – રાતે    પંખો    ફૂટી 

                               પાંખો         રાતીચોળ  ….  બોલે   ટીટોડો !

ગામ  સફાળું   હાલક – ડોલક 

                                પાદર  ગોળ – મટોળ …   બોલે   ટીટોડો !

સવ્વામણના   ગીત    ઉઘલે 

                                ગીતો      ઝાકમઝોળ …  બોલે   ટીટોડો !

એક    હથેળી  –  કાંઠા    ઉપર  

                                 ફરે    નહિ   ચકડોળ …  બોલે   ટીટોડો !

જળમાંથી     જળ      પાંગરતું  

                                  કૈં જળમાં હું તરબોળ …  બોલે   ટીટોડો !

પાંચ   વાંભના    પૂતળાં જેવો 

                                  દરિયો      ડામાડોળ …   બોલે   ટીટોડો !

ઠેબાં   ખાતો    ઘૂમરાતો    ભૈ

                                  ઘરમાંથી      વંટોળ ….   બોલે   ટીટોડો !

ફૂલગુલાબી   સપના   સાજણ 

                                  આંખોમાં    ઝબકોળ …    બોલે   ટીટોડો !

જરા   આંખના    પલકારામાં 

                                ચડી   ગયો   મચકોડ ….  બોલે   ટીટોડો  ! 

માઝમ – રાતે     પંખો   ફૂટી  

                                પાંખો    રાતી     ચોળ ….   બોલે   ટીટોડો !

————————દીપક ત્રિવેદી 

Posted in Uncategorized | Leave a comment

વૈશાખી વાયરો વા ‘ તા પેહલાં ——–દીપક ત્રિવેદી

 

વૈશાખી  વાયરો  વા ’ તા  પેહલાં  ————દીપક ત્રિવેદી 

અંધારું   રહેશે    અબોલ   …એય   … સાજણિયા 

                                 અંધારું   રહેશે    અબોલ 

આંખો   અધમીચેલી   ખોલ … એય … સાજણિયા 

                              આંખો   અધમીચેલી   ખોલ 

નીંદરમાં  લીલીછમ્મ  લહેરખી હશે  એનું  નામકરણ  કરશું  પતંગ 

ચપટી વગાડતાં ’ ક  પોપચા  ખુલે  એવી ઘટનાથી કરફયુનો  ભંગ 

પડઘાને   અમથો  ના   ઠોલ …  એય … સાજણિયા

                               પડઘાને   અમથો  ના   ઠોલ 

અંબોડે   ખીલેલી  વેણીના  સમ  કોઈ  સપનાની  વાત  નથી  મારી 

શરણાયું    વાગે   કે    પડઘમ    હવે     ટેરવામાં   ખુલી   છે   બારી 

ધણધણતો   વૈશાખી  ઢોલ … એય …સાજણિયા

                            ધણધણતો   વૈશાખી  ઢોલ ! 

અંધારું   રહેશે    અબોલ   …એય   … સાજણિયા 

                                 અંધારું   રહેશે    અબોલ ! 

————————દીપક ત્રિવેદી 

Posted in Uncategorized | Leave a comment

ચંદનતલાવડીમાં … ———-દીપક ત્રિવેદી

ચંદનતલાવડીમાં … —————દીપક ત્રિવેદી

ચંદન તલાવડીમાં અઢળક શ્રાવણ મુશળધાર —

— કે રૂમઝૂમ કંકણનું ઝૂમખડું …

— કે ઝલમલ કંકણનું ઝૂમખડું ..

રેશમની દોરીના છેડે બાંધ્યો ઝરમર ભાર –

— કે ઝમરખ કંકણનું ઝૂમખડું ..

— ઝળહળ કંકણનું ઝૂમખડું ..

તડકો બંધો પરોઢમાં રે .. પરોઢિયાને માનસરોવર પાળ

— કે છલકે રાખે છલછલ પાળ

ઘરચોળાંની ભાત્યું બાંધો … ભાતે બાંધો રૂડીરૂપાળી રાત

— કે ફરકે શમણાંઓ પાતાળ

કેસુડાંનો ઢાળ ઢોલિયો , લાવો ચંદનહાર—

— કે સળવળ કંકણનું ઝૂમખડું ..

— કે પલપલ કંકણનું ઝૂમખડું ..

ચંદન તલાવડીમાં અઢળક શ્રાવણ મુશળધાર —

— કે રૂમઝૂમ કંકણનું ઝૂમખડું …

— કે ઝલમલ કંકણનું ઝૂમખડું …

ટહૂકો ઉછળે અંદરથી રે ઘૂઘવે સાત સમંદર વ્હાલા

— આકુળવ્યાકુળ શુક્નગીત

ચોમાસું રેડાતું મબલક, આંખે વાગે તીરકામઠા – ભલા

— ભીનીભીની ઘરની ભીંત

ટહૂકો પાંપણમાં ઝીલાવા ચઢી જાવ મોભાર –

— કે મઘમઘ કંકણનું ઝૂમખડું ..

— મબલખ કંકણનું ઝૂમખડું ..

ચંદન તલાવડીમાં અઢળક શ્રાવણ મુશળધાર —

— કે રૂમઝૂમ કંકણનું ઝૂમખડું …

— કે ઝલમલ કંકણનું ઝૂમખડું ..

—————————દીપક ત્રિવેદી

Posted in Uncategorized | Leave a comment

પ્રથમ રાત્રિમિલન ———-દીપક ત્રિવેદી

પ્રથમ રાત્રિમિલન ———-દીપક ત્રિવેદી

ધડક ધડક દિલ ધડકે , સજના !
માંડ સોગઠાં – ચોપાટું …..!
પલક નેત્ર પલ – પલ થડકે ને —
કંકુ ફાટું – ફાટું ….!
આજ લગી ક્યાં કોઈ પીતું
અમરતનો સમદરિયો ….
ઘટ – ઘટ પી જા અમને , આલ્લે !
કુંભ મજાનો ભરીયો ….
ધનક … ધનક …. ઝાંઝરિયું બલમા !
ઘુઘરિયાળી વાટુ ……!
ધડક ધડક દિલ ધડકે , સજના !
માંડ સોગઠાં – ચોપાટું …..!
ઊછળકૂદ ઈચ્છાના શંફૂદ્રુમ
ઊગ્યા પરસાળે ……
જાણે ગુલાબ ગોટો ફૂટ્યો
અંતરના અજવાળે ……
છલક શ્વાસ સરવર , સાંવરિયા
રાખું કોના સાટુ ?
પલક નેત્ર પલ – પલ થડકે ને —
કંકુ ફાટું – ફાટું ….!!

————દીપક ત્રિવેદી

Posted in Uncategorized | Leave a comment